હાલ ગણેશ ચતુર્થી પર્વ ચાલી રહ્યું છે અને સૌ કોઈ વિગ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની પૂજા અને ભક્તિમાં તલ્લીન બન્યું છે ત્યારે બહુ ઓછા લોકોને આ વાતનો ખ્યાલ હશે કે આજથી 27 વર્ષ પહેલા ઈન્ડોનેશિયા દ્વારા તેની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો મુકયો હતો અને તે દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે, જેના પર ભગવાન ગણેશ બિરાજમાન છે. ત્યારે આ ચલણી નોટ મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે.
ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજીનો ફોટો છાપવામાં આવ્યો હતો. ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં વર્ષ 1998માં તેના દ્વારા 20,000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી કે જેમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે. લગભગ આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે. જેના પર ગણેશજીનો ફોટો છે. આ નોટ મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે. તેઓને દેશ વિદેશની ચલણી નોટો, સ્ટેમ્પ, સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ છે.