વ્યાજખોરોનાં ત્રાસનાં કેટલાક કિસ્સા સામે આવી ચુક્યા છે, જેમાં વ્યાજે પૈસા લેનારે ત્રણથી ચાર ગણી રકમ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો ધરાયા નહિ. ત્યારે આવી જ એક ઘટના મોરબીમાંથી સામે આવી છે. જેમાં મોરબીના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ ગટગટાવ્યુ હતું. ત્યારે બનાવને પગલે પોલીસે ૨૨ વ્યાજખોર વીરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં અવની ચોકડી પાસે વૃંદાવન એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧ ભાડાના મકાનમાં રહેતા કેયુરભાઇ નાગજીભાઇ બાવરવા નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ ગટગટાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં કેયુર બાવરવાએ મોરબીનાં અલગ-અલગ ૨૨ વ્યાજખોરો પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે કુલ ૧.૩૮ કરોડ જેટલા નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં યુવકે આરોપીઓને ૫% થી લઈને ૪૫% જેટલું ઉંચુ વ્યાજ ચુકવતા હોવા છતા ગોપાલભાઇ ભટ્ટ નામના વ્યાજખોરે યુવકની માલીકીની કીઆ કંપનીની GJ-36-R-8194 નંબરની સેલટોસ કાર બળજબરી પુર્વક લઇ ગયો હતો તેમજ ભોલુ જારીયા, મુકેશભાઇ ડાંગર, રાજભાઇ ઉર્ફે લાલભાઇ, અજીતભાઇ તથા વિરમભાઇ રબારીએ ફરીયાદીને ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ઉમેશભાઇ, પ્રકાશભાઇ, જયેશભાઇ ભરવાડ, કમલેશભાઇ, પ્રતીક ઉર્ફે પતીયો, જયદેવભાઇ, વિપુલભાઇ, જયદીપભાઇ ડાંગર, મિલનભાઇ, મેરૂભાઇ રામજીભાઇ રબારી, મહીપતસિંહ જાડેજા, દીલીપભાઇ બોરીચા તથા લાલાભાઇએ ફરીયાદીને ઉંચા વ્યાજે નાણા ધીરી પઠાણી ઉઘરાણી કરી તેમજ રીઝવાન નામના ઈસમે ફરીયાદીની સંયુકત માલીકીની બળજબરી પુર્વક જમીન લખાવી લઇ આરોપીઓએ ફરીયાદી પાસે તેના બેંક એકાઉન્ટના ફરીયાદીની સહી વાળા બે બે કોરા ચેક બળજબરી પુર્વક લખાવી તેમજ ૧૫ તોલા સોનું અને ફરીયાદી ની સંયુક્ત માલિકીની જમીન પણ લખાવી લઈ તમામ આરોપીઓએ ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ટાંટિયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપતા હોય જેથી ફરીયાદીએ આરોપીઓના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ૨૨ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.