ગુજરાત રાજ્યમાં ઓનલાઇન તીનપતીનો ગોરખધંધો ફૂલ્યો-ફાલ્યો છે. મોબાઈલ અને ઈન્ટરનેટના આ યુગમાં ઓનલાઈન જુગારની ખરાબ આદતનો ક્રેઝ વધી રહ્યો છે. જેના રવાડે મોરબીનો એક યુવક ચડ્યો હતો. જેમાં તે રૂ.૭ લાખ હારી જતા આરોપીઓએ યુવકના ઘરે પહોંચી પઠાણી ઉઘરાણી કરી તેનું કારમાં લઈ જઈ અપહરણ કર્યું હતું. અને ઢોર માર માર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ ક્રીષ્ના સ્કુલની બાજુમા સંસ્કાર હિલ્સ ૬૦૧ માં રહેતા મૂળ જામનગરના હડીયાણા ગામના યુવક હિરલભાઇ રમેશભાઇ કાનાણીએ મહીલપાલસિંહ રાણા તથા જયપાલસીંહ ચુડાસમા (બંને રહે.જામનગર રામેશ્વર સોસાયટી) સાથે ઓનલાઇન તીનપતીની આઇ.ડીમા જુગાર રમેલ હોય જેમાં ફરીયાદી હિરલભાઇ આરોપીઓ સામે ઓનલાઇન રૂ.૭,૦૦,૦૦૦/- હારી જતા મહીલપાલસિંહ રાણા તથા જયપાલસીંહ ચુડાસમા તેના સાથી અર્જુન પ્રજાપતિ તથા નંદો નામના શખ્સ સાથે રૂપીયા બાબતે યુવકના ઘરે આવી ઘરમા પ્રવેશ કરી બળજબરીથી કારમા બેસાડી ફરિયાદીનુ અપહરણ કર્યું હતું. અને ફરિયાદીને ગોંધી રાખી ઢીકાપાટુનો તેમજ છરી તેમજ ધોકાઓ વડે મારમારી પૈસા આપવા ધમકાવી છોડી મુક્યો હતો. જે સમગ્ર મામલે હિરલભાઇ રમેશભાઇ કાનાણીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.