ત્રણ બહેનના એકના એક ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ.
માળીયા(મી) તાલુકાના મોટાભેલાથી પીપળીયા ચાર રસ્તે કામ સબબ જઈ રહેલા બાઇક ચાલક યુવકને મોટાભેલા ગામથી ત્રણ કિલોમીટર દૂર અકસ્માત નડ્યો હતો, જેમાં સીએનજી રીક્ષાએ બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક યુવક રોડ ઉપર.પટકાયો હતો, જેથી તેને અર્ધ બેભાન હાલતમાં પ્રથમ મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસની ટૂંકી સારવારમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે મૃતકના પિતા દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં રીક્ષાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામે રહેતા ખેડૂત બાલજીભાઈ લક્ષ્મણભાઇ સરડવા ઉવ.૬૫ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી સીએનજી રીક્ષા રજી. નં. જીજે-૩૬-યુ-૫૯૪૧ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૩/૦૫ના રોજ બાલજીભાઈનો દીકરો સંજયભાઈ ઉવ.૩૮ પોતાનું યામાહા કંપનીનું એફઝેડ રજી.નં. જીજે-૩૬-એએમ-૬૧૫૩ લઈને કોઈ કામ સબબ મોટાભેલાથી પીપળીયા ચાર રસ્તા જતા હોય ત્યારે મોટાભેલાથી સરવડ ગામ વચ્ચે ઉપરોક્ત રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા ગફલતભરી રીતે તેમજ ફૂલ સ્પીડમાં ચલાવી સંજયભાઇના બાઇકને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં સંજયભાઈને હાથ પગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ હોસ્પિટલ દાખલ કરવામાં આવતા, જ્યાં તા.૧૭ ના રોજ સંજયભાઈનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે રીક્ષા ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.