માળીયા(મી) તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર ગામ વચ્ચે છકડો રીક્ષા અને મોટર સાયકલ સામસામે અથડાયા હતા, જેમાં લાકડા ભરેલ છકડાના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી સામેથી આવતા બાઇકને ઠોકરે ચડાવતા, બાઇક ચાલકને આંખમાં અને કપાળ તેમજ શરીરે ગંભીર ઇજા પહોચતા, તેનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ, માળીયા(મી)ના ચીખલી ગામે રહેતા જુગાભાઈ અવચરભાઈ પરસુંડા ઉવ.૬૦ વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી છકડો રીક્ષા રજી.નં. જીજે-૦૪-એયુ-૪૯૪૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૩/૧૨ના રોજ ફરિયાદીનો દીકરો સાગર જુગાભાઈ પોતાનું મોટર સાયકલ રજી.જીજે-૩૬-એએન-૧૫૪૮ લઈને ખકખરેચી થી ચીખલી ઘરે પરત આવતો હોય તે દરમિયાન વિશાલનગર થી સુલતાનપુર વચ્ચે રોડ ઉપર સામેથી આવતા લાકડા ભરેલ છકડો રીક્ષાના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડના ચલાવી આવી સામેથી આવતા મોટર સાયકલને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી છકડા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









