મોરબીના રામગઢ(કોયલી) ગામે વાડીએ બેસવા આવેલ શખ્સો બેફામ ગાળો બોલતા હોય જેથી વાડી-માલીક યુવક દ્વારા ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા બાદ યુવકને કાશા કોયલી ગામના ડેમની પાળ પાસે બોલાવી લાકડી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો, ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર દ્વારા ચારેય વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી તાલુકાના રામગઢ(કોયલી) ગામે રહેતા મહેશભાઇ ગેલાભાઇ ડંડેચા ઉવ.૩૬ ની વાડીએ ગઈ તા.૦૧/૦૩ ના રોજ સાંજના સમયે આરોપી વિકાસભાઇ મુળજીભાઇ રાણવા, અનીલભાઇ લાલજીભાઇ પરમાર, ડેનીસ રાઠોડ તથા મયુરસિંહ એમ ચાર શખ્સો બેસવા આવ્યા હતા ત્યારે અનિલભાઈ તથા ડેનિસ અને મયુરસિંહ પૈસાની લેતી દેતી મામલે ફોન ઉપર ગાળો બોલતા હોય જેથી વાડી-માલીક મહેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા, આરોપી ડેનિસે મહેશભાઈને ગાળો આપી પેટના ભાગે લાત મારી હતી, ત્યારબાદ ચારેય ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ મહેશભાઈને ફોન કરી કાશા કોયલી ગામના ડેમની પાળ પાસે બોલાવતા તેઓ ત્યા જતા તમામ આરોપીઓએ એક સંપ કરી મહેશભાઈને લાકડી તથા ઢીકા પાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી હતી, ત્યારે તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.