લાકડાના ધોકા અને તલવાર જેવા હથિયારથી ઇજા, બાઈક પણ સળગાવ્યુ.
વાંકાનેર શહેરના લક્ષ્મિપરા વિસ્તારમાં ૫૦-૧૦૦ રૂપિયાની બાબતે થયેલી બોલાચાલી, ઝપાઝપીમાં એક યુવક પર લાકડાના ધોકા તેમજ પથ્થર-તલવાર જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે ફરીયાદીનું બાઇક પણ સળગાવી દીધું હતું. ભોગ બનનાર યુવકની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે હુમલાખોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ મુજબ, સબીરભાઈ ઇબ્રાહીમભાઈ ભદ્રાસીયા ઉવ.૨૯ રહે. મોમીન શેરી વાંકાનેર વાળાએ આરોપી કોનેનમહમદ ઉર્ફે ટીકળી યાસીનભાઇ બ્લોચ રહે.વાંકાનેર લક્ષ્મિપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૨૩/૦૮ના રોજ રાત્રીના વાંકાનેર લક્ષ્મિપરા શેરી નં.૩ના નાકે ફરિયાદી સબીરભાઈ તથા આરોપી વચ્ચે ૫૦-૧૦૦ રૂપિયા આપવા બાબતે બોલાચાલી ઝગડા બાદ ઝપાઝપી થતા, આરોપીએ ફરીયાદી સબીરભાઈને ગાળો બોલી ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. બાદમાં ફરિયાદીને રોડ ઉપર પછાડી દઇ, શેરીમાથી લાકડાનો ધોકો લઇ આવી ફરીયાદીને ડાબા હાથાના પંજા પર તથા શરીરના ભાગે માર મારી મુઢ ઇજા કરી હતી. આ દરમિયાન ફરીયાદીના મોટર સાયકલ ઉપર મો.સા પર આરોપીએ પથ્થર તથા તલવાર જેવા હથિયાર વડે ઘા મારી, મોટર સાયકલ સળગાવી દીધું હતું. હાલ સમગ્ર બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી કોનેનમહમદ ઉર્ફે ટીકળી યાસીનભાઈ બ્લોચ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે