મોરબી શહેરના વીશીપરા વિસ્તારમાં વ્યાજના પૈસા માંગવા આવેલા બે વ્યક્તિઓએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવક ઉપર થયેલા આ હુમલામાં જાતિ પ્રત્યે હડધૂત કરી ઢીકા પાટુનો માર મારી તેમજ છરી વડે પડખામાં તેમજ વાસામાં ઘા માર્યા હતા જેથી યુવકને ગંભીર ઈજા પહોંચી છે. સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કુલ ત્રણ આરોપીઓ સામે એટ્રોસિટી, નાણા ધીરધાર પ્રતિબંધ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરના વીશીપરા વિસ્તારમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણીના વિવાદને કારણે યુવક ઉપર છરી વડે હુમલો થયાનો ગંભીર બનાવ નોંધાયો છે. જેમાં ફરિયાદી અનીલભાઈ મનોજભાઈ ચૌહાણ રહે. વીશીપરા રોહીદાસપરા શેરી નં. ૦૫ મોરબીવાળાએ મોરબી શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણે આરોપી શિવમભાઈ રબારી પાસેથી નાણાં વ્યાજે લીધેલ હતા, જેનાં વ્યાજની ચુકવણી તે દર મહિને કરતો હતો. પરંતુ છેલ્લા છથી સાત મહિનાથી અનીલભાઈ સમયસર વ્યાજની રકમ ચૂકવી શક્યો નહોતો. આ કારણે આરોપી શિવમભાઈએ પોતાના સાથીદારો હીરાભાઈ રબારી અને પૃથ્વીરાજસિંહ ઝાલાને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે મોકલ્યા હતા.
તા. ૧૬ ઓક્ટોબર રાત્રે લગભગ ૧૦ વાગ્યે અનીલભાઈ પોતાના ઘરની સામે બેઠા હતા ત્યારે આરોપી હીરાભાઈ અને પૃથ્વીરાજસિંહ ત્યાં આવી પહોંચ્યા હતા. વ્યાજના પૈસા માંગતા તેઓએ અનીલભાઈ પાસે રકમ ન હોવાથી ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો આપવાની મનાઈ કરતા હીરાભાઈ રબારીએ અનીલભાઈને જાપટો અને ઢીંકા પાટુનો માર માર્યો, જ્યારે પૃથ્વીરાજસિંહ ઝાલાએ છરી વડે અનીલભાઈના પેટ અને વાંસાના ભાગે ધા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી તથા જાતિ સંબંધિત અપમાનજનક શબ્દો બોલી અનીલભાઈને જાહેરમાં અપમાનિત કર્યા હતા. પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇને ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, નાણા ધિરધાર અધિનિયમ તથા અનુસૂચિત જાતિ-જાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો અને જી.પી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.