ઘર વખરીની વસ્તુઓની ખરીદી કરવા નીકળેલ પરપ્રાંતિય યુવકને કાળનો ભેટો,સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં રોડ ક્રોસ કરી રાગેલા પરપ્રાંતિય યુવકને પાછળથી ટ્રકે હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, યુવકના માથા તથા શરીર ઉપર ટ્રકનો પાછળનો જોટ્ટો ફરી જતા સ્થળ ઉપર જ યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, હાલ હિટ એન રનની ઘટનામાં મૃતક યુવક સાથે રહેલ તેના કુટુંબી ભાઈ દ્વારા ટ્રકના રજીસ્ટર નંબરની નોંધ કરી લીધી હોય જે આધારે પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ ચલાવી છે.
એક માસથી વધારે દિવસો પહેલા બનેલા હિટ એન્ડ રનના બનાવ અંગે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મોરબીના નીચી માંડલ ગામે આવેલ ઇટાલસ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ગુગાવદ ગામના વતની શિવરામસિઘ દેવીસિઘ ઉવ-૩૭ એ ટ્રક રજી.નં. ટીએન-૫૨-ક્યુ-૮૯૬૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૯/૧૦ ના રોજ સાંજના સમયે ફરીયાદીનો ભાઇ જુગેન્દ્રસિઘ તથા કૌટુબિક ભાઇ રવિસિધ બન્ને ઘરવખરીનો સામાન લેવા માટે જતા હતા ત્યારે મોરબી-વાકાનેર હાઇ-વે પર આદિત્ય હોટલની સામેની બાજુ મોરબી-વાકાનેર નેશનલ હાઇવે રોડ પર જુગેન્દ્રસિઘ રોડ ક્રોસ કરતા હોય તે દરમ્યાન ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક ફુલ સ્પીડમા અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી જુગેન્દ્રસિઘને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં જુગેન્દ્રસિઘના માથા તથા શરીર પર ટ્રક વાહનનો ટાયર જોટો ફરી જતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી આરોપી ટ્રક ચાલક પોતાના હવાલાવાળો ટ્રક લઇને ભાગી ગયા અંગેની ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.