મોરબીના સીપાઈવાસ વિસ્તારમાં નજીવી બાબતની બોલાચાલી બાદ ત્રણ જણાએ સાળા-બનેવી ઉપર છરી અને પથ્થરથી હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર ઈજાઓને કારણે ૨૨ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના સાળાની સારવાર ચાલુ છે. હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હત્યારા ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં સામાન્ય બાબતની બોલાચાલી બાદ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેમાં શહેરના સીપાઈવાસ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સાળાને બચાવવા વચ્ચે પડેલ બનેવીનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, ફરીયાદી મોહસીન ફારૂકભાઈ કુરેશી ઉવ.૩૩ રહે. સીપાઈવાસ જમાદાર શેરી મોરબી વાળાએ શહેર પોલીસ સમક્ષ આરોપી ખાલિદ ફીરોજભાઈ સમા, સકીલ ફીરોજભાઈ સમા અને ફીરોજ ઉસ્માનભાઈ સમા ત્રણેય રહે. સીપાઈવાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી મોહસીનભાઈ અને તેમના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી ઉવ.૨૨ તા.૧૮/૧૦ની રાત્રે ૮ વાગ્યે સગાઈના પ્રસંગે ગયા બાદ એક અકસ્માતના સમાચાર સાંભળી મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યારબાદ સીવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યારે તા.૧૯/૧૦ રાત્રે આશરે સવા એક વાગ્યે આરોપી ખાલિદ ફીરોજભાઈ સમા દ્વારા ફરિયાદી મોહસીનને ફોન કરીને કહ્યું કે “તું મારી વહુ સામે કેમ કાતર મારે છે?” કહી સીપાઈવાસમાં બોલાવ્યો હતો. જેથી મોહસીન તેના બનેવી મકબુલ કુરેશી ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી ખાલિદ, તેનો ભાઈ સકીલ અને પિતા ફીરોજ ઉસ્માન સમા ત્રણે ત્યાં હાજર હતા. વિવાદ દરમિયાન આરોપી ખાલિદે છરી વડે મોહસીનના કપાળમાં ઘા કર્યો હતો. જ્યારે સકીલે મોહસીનના હાથમાં ઇજા કરી હતી. આ દરમિયાન બનેવી મકબુલ કુરેશી પોતાના સાળાને બચાવવા વચ્ચે પડતા આરોપી ખાલિદે છરી વડે પડખામાં અને ગળામાં ઘા કર્યા, જ્યારે ફીરોજ સમાએ પથ્થર વડે માથામાં જોરદાર ઘા માર્યો હતો. ત્યારે ગંભીર ઈજાઓને કારણે મકબુલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.જ્યારે મોહસીન હાલ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે ત્રણેય આરોપી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અયકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.