વાંકાનેર ટાઉનમાં મિત્ર એજ તેના મિત્ર ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા અંગેની ઘટનાએ ચકચાર મચાવ્યો છે, જેમાં પ્રસંગમાં સામાન્ય બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી મિત્રએ જ મિત્રને છરી વડે છાતીના ભાગમાં એક ઘા મારી દેતા ઘાયલ યુવકને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. હાલ ઘાયલ યુવકની પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજકોટ રોડ ઉપર વૃદાવન પાર્કમાં રહેતા જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા ઉવ.૩૩ એ વાંકાનેર પોલીસ સમક્ષ હોસ્પિટલના બિછાનેથી આરોપી કરણ હસુભાઈ લોધા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગઈ તા.૧૮/૦૨ના રોજ રાત્રીના જયપાલસિંહ તથા તેના બે મિત્રો કિશનભાઈ અને કરણ એમ ત્રણેય મિત્રો પ્રસંગમાં સાથે ગયા હતા ત્યારે જમણવાર દરમિયાન આરોપી કરણે દાળ લઈ આવવા જયપાલસિંહને કહેતા જે બાબતે બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે તેનો ખાર રાખી જમણવાર પૂર્ણ કરી જયપાલસિંહ તેમના મિત્ર કિશનભાઈને ત્યાં હોય ત્યારે આરોપી કરણ દ્વારા જયપાલસિંહને ધાર વિસ્તારમાં આવવા કહેલ ત્યારે તે સ્થળે ફરી આરોપી કરણ જયપાલસિંહને અપશબ્દો આપતો હોય જેથી અપશબ્દો આપવાની ના પાડતા કરણ ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે જયપાલસિંહ આરોગ્યનગરના નાલા પાસે પહોંચ્યા ત્યારે કરણ તેના ઘરે જઈ છરી લઈ આવી જયપાલસિંહને છાતીમાં છરીનો એક ઘા મારી દીધો હતો. જેથી જયપાલસિંહના મિત્ર કિશનભાઈ સારવાર અર્થે તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવારમાં હાજર ડોક્ટરે રાજકોટ રીફર કર્યા હતા. જે મુજબની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી કરણ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.