મોરબીમાં મહેન્દ્રનગર નજીક ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા યુવક સાથે ઑનલાઇન કપડાં ખરીદીના બહાને ૧૫ હજાર રૂપિયાની છેતરપીંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે યુવકની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આઈટી એક્ટ તથા બી.એન.એસ. કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરના મહેન્દ્રનગર ખાતે રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા નામના યુવકએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે ટ્રેડ ઇન્ડિયા. કોમ નામની ઓનલાઈન સાઇટ પરથી કુર્તી ખરીદવા માટે સર્ચ કર્યું હતું. તે દરમિયાન મો.નં. ૭૦૪૧૪ ૫૯૫૯૬ પરથી તેમને વોટ્સએપ મેસેજ મળ્યો અને “AN TEXTILE” નામની કંપનીના નામે એક વ્યક્તિએ વાત કરી જેમાં એક કુર્તીના રૂ.૧૫૦ ના ભાવે કુલ કુર્તી માટે ઓનલાઇન ઓર્ડર બુક કરાવતા રવિભાઈએ રૂ.૧૫,૦૦૦/-નું UPI ID મારફતે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.ત્યારે ઓર્ડર મુજબનું પાર્સલ રવિભાઈને ત્યાં આવતા તેમાં એક જૂનું ફોર્મલ પેન્ટ મોકલાયું હતું, જેથી ફરિયાદી રવિભાઈએ પોતાની સાથે થયેલ છેતરપીંડી અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી મોબાઇલ નંબર ધારક અને યુપીઆઈ ધારક વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.