માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામ નજીક વરદાઈ કારખાનાની સામે હાઇવે રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા જામનગરના ૨૩ વર્ષીય આશાસ્પદ યુવકનો જીવનદીપ બુઝાયો હતો. અકસ્માતના આ બનાવમાં મોટર સાયકલ ચાલક યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ રાજેશ્વરી સોસાયટી જામનગરના વતની હાલ આદિપુર(ગાંધીધામ) રહેતા દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ ભીખુભા જાડેજા ઉવ.૨૩ ગત તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ તેમનું મોટર સાયકલ રજી.નં. જીજે-૧૦-ડીપી-૦૨૫૮ લઈને આદિપુરથી જામનગર આવતા હોય ત્યારે રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ માળીયા-જામનગર રોડ ઉપર માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામ નજીક આવેલ વરદાઈ કારખાના સામે વળાંકમાં સામેથી ટ્રક રજી.નં. જીજે-૧૦-ટીવાય-૦૦૬૩ ના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે ચલાવી આવી ઉપરોક્ત મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ ચાલક દુષ્યંતસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ અંગે મૃતકના પિતા હેમેન્દ્રસિંહ ભીખુભા જાડેજાની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









