આજરોજ મોરબી ફાયર એન્ડ કન્ટ્રોલ રૂમમાં અલગ અલગ બે જગ્યા એ કુલ ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની માહિતી મળતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ના જવાનોએ બે જગ્યાએ જઈને કુલ ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવાની કામગીરી કરી હતી અને મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી કંટ્રોલ રૂમ ખાતે અલગ અલગ બે જગ્યાએ ડૂબવાના બનાવોના રેસ્ક્યુ કોલ મળ્યા હતા. જેમાં જુના આરટીઓ પાસે મચ્છુ 03 ડેમમાંથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસનાં જવાનો દ્વારા ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. જે મૃતદેહ મોરબીના ભગવતી પાર્ક ૧ વાવડી રોડ નંદનવન સોસાયટીની પાછળ રહેતા ૩૬ વર્ષીય કૈલા પરેશ અમૃતલાલનું હોવાનું સામે આવ્યું હતું તેમજ મૃતકનું બાઈક અને પાકીટ રોડ પરથી મળી આવ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાંથી ભરતભાઈ વિઠ્ઠલભાઈની વાડીમાં આવેલ ખેત્ત તલાવડીમાં ૨૦ વર્ષીય વિલાશબેન અને તેમની સાત માસની પુત્રી શરીના નો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી કરી હતી. મોરબી ફાયર ટીમ દ્વારા બંને જગ્યાની ટોટલ ત્રણ મૃતદેહ બહાર કાઢી ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે મોકલી આપવામાં આવી હતી.તેમજ મોરબી તાલુકા પોલીસે પણ બન્ને બનાવો મામલે વધુ તપાસ હાથ ધરી છે.