મોરબીમાં એક બાજુ ‘બિપરજોય’ વાવાઝોડાએ કહેર વરસાવ્યું છે. તો બીજી તરફ મોરબીનાં હરીપર (કેરાળા) ગામે એક ટેલર માલિકની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો છે. જેમાં બંધ પડેલ ટેલર પાછળ ડમ્પર અથડાતા યુવકનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી)નાં વેજલપર ખાતે રહેતા સાયરભાઇ મનજીભાઇ ગડેસીયાનાં ભાઈ વિક્રમભાઇ મનજીભાઇ ગડેસીયા પોતાનું જી.જે.૩૬.વી-૭૬૬૮ નંબરનું ડમ્પર લઈ હરીપર (કેરાળા) ગામની સીમ મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર આદીત્ય પેટ્રોલપંપની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અબ્દુલભાઈ અરસદાલી માણીયા (રહે. કેલા (કેલમ) ગામ છાત્રગઢ જી.બીકાનેર રાજસ્થાન) નામના આરોપીએ પોતાનું RJ07GD1986 નંબરનું બંધ પડેલી ટેલર સરેઆમ જાહેર રોડ ઉપર આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ તેમજ ભયંકર અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે મુકી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખી ટેલરની આગળ પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડશ નહીં રાખતા વિક્રમભાઇનું ડમ્પર ત્યાંથી પાસ થતા બંધ પડેલી ટેલરની પાછળની બાજુ વહેલી સવારના સમયે ઉપરોકત ડમ્પર સહીત અથડાતા વાહન અકસ્માત થતા વિક્રમભાઇને શરીરે તેમજ ડાબા પગમાં તથા ડાબા હાથમાં તથા ડાબા કાનમાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે સાયરભાઇ મનજીભાઇ ગડેસીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.