ફાયર ટીમે ૨૨ કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી કાઢ્યો.
મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય રાજેશભાઈ લાલજીભાઈ મકવાણાએ પાડા પુલ પરથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. ફાયર વિભાગે આખો દિવસ શોધખોળ કર્યા બાદ બીજા દિવસે રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મોરબી શહેરના વજેપર શેરી નં.૪ માં રહેતા રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા ઉવ.૩૨ એ ગત તા.૨૯ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે ૧૧ વાગ્યાના અરસામાં પાડા પુલ પરથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સંપૂર્ણ રાત દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ સવાર સુધી યુવકની કોઈ ભાળ મળી નહોતી. ત્યારબાદ રાજકોટ ફાયર વિભાગની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી અને બંને ટીમોએ જોડાઈને સઘન શોધખોળ હાથ ધરી હતી. અંતે તા.૩૦ ઓક્ટોબરના રાત્રે આશરે ૯ વાગ્યાના અરસામાં રાજેશભાઈ મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની માહિતી બાદ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









