સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ, ટેલિગ્રામ યુઝર્સ તેમજ બેંક ખાતા ધારક સહિત ૨૦ આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
મોરબીના યુવક સાથે ઓનલાઇન જોબનું કામ આપી ઘરબેઠા કમાણી કરાવાની લાલચ આપી શરૂમાં વિશ્વાસ કેળવવા કરેલ જોબ વર્કના નાણા પરત આપી વધુ કમાણીની લાલચ આપ્યા બાદમાં વિવિધ બહાનાં હેઠળ ૨૦.૭૫ લાખ જેટલા રૂપિયાનું રોકાણ કરાવી તે રૂપિયા પાછા ન આપી યુવક સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાની અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસ દ્વારા ૨૦ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીના પંચાસર રોડ સ્થિત પ્રમુખસ્વામી પાર્ક-૨ સંગાથ પેલેસ-૨ ફ્લેટ નં.૬૦૧ ના રહેવાસી અને લોન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હાર્દીપકુમાર ગણેશભાઈ પનારા ઉ.૨૮ સાથે ઓનલાઈન કામ આપવાના બહાને મોટું છેતરપિંડીનું કાવતરું રચાયું હતું. મળતી વિગતો મુજબ આ ઘટના તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૧૯ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન મોરબીના શનાળા બાયપાસ સ્થિત સીટી મોલની ઓફિસ ખાતે બની હતી. જેમાં આરોપીઓએ હાર્દિપકુમાર સાથે વોટ્સએપ અને ટેલિગ્રામના મેસેજથી સંપર્ક સાધી, ઓનલાઇન જોબ આપી ઘરબેઠા કામ કરીને રૂપિયા કમાવાની લાલચ આપી હતી. શરૂઆતમાં હાર્દિપકુમારના ખાતામાં જોબવર્ક કરેલ કામના રૂપિયા જમા કરાવી વિશ્વાસ મેળવી, ત્યારબાદ અલગ-અલગ બહાનાઓથી હાર્દિપકુમાર પાસેથી કુલ ૨૦,૭૫,૭૧૩/- રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ડિપોઝિટ કરાવ્યા હતા. ત્યારે આ રકમ હાર્દિપકુમારને પરત આપવામાં આવી નહિ અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ સમગ્ર કાવતરામાં કુલ ૨૦ જેટલા આરોપીઓ સામેલ છે જેમના ફોન નંબર, ટેલિગ્રામ યુઝરનેમ તથા વિવિધ બેંકોના ખાતાં નંબર સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં શિખા, મિસ્ટર સુમિત, કસ્ટમર સપોર્ટ જેવા ટેલિગ્રામ યુઝર્સ અને કુલ ૧૮ અલગ અલગ બેંક ખાતાં ધરાવનારાઓનો સમાવેશ થાય છે. બનાવ બાબતે મોરબી સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ તથા આઇટી એક્ટ હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.