પાંચ શખ્સોએ યુવકને ઢીકાપાટુ મારી ઈજા પહોંચાડતા યુવાને ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં રહેતા યુવાન ઉપર તેના મિત્ર સહિત પાંચ શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાના કારણમાં આરોપી મિત્રના મામા ઉપર મોરબીમાં પોલીસ કેસ દાખલ થયેલ જે કેસ ભોગ બનનારે કરાવ્યો હોવાનો શક રાખી તેના ઉપર હુમલો કર્યો હોય, જ્યારે બીજીબાજુ મિત્ર સહિતના આરોપીઓ યુવકને જાનથી મારી નાખશે એવા ભયથી યુવકે પોતાની જાતે ઘરમાં રહેલ ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ૧૦૮ મારફત તેને ટંકારા બાદ મોરબી સિવિલમાં સારવાર હેઠળ લાવતા, જ્યાં ભોગ બનનાર દ્વારા એક મહિલા સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં રહેતા ભરતભાઇ મનસુખભાઇ ગોહિલ ગઈ તા.૨૩ માર્ચના રોજ સાંજે દૂધ-છાસ લેવા જતા હોય ત્યારે તેના મિત્ર હિમેશ નરોત્તમભાઈ ચૌહાણે બોલાવ્યા હતા, જેમાં આશરે બે મહિના પહેલા મોરબીમાં હિમેશના મામા વિરુદ્ધ દાખલ થયેલ કેસમાં પોતે ફરીયાદી હોવાની શંકા રાખી તેમની સાથે ઝપાઝપી કરી મારપીટ શરુ કરી હતી. આ દરમિયાન હિમેશના કુટુંબી ભાઈના હિરેન પરસોતમભાઈ ચૌહાણ અને ગૌરવ આલજીભાઈ ચૌહાણ પણ ત્યાં પહોંચી ગયા અને ત્રણેય શખ્સોએ ભરતભાઈને ઢીકાપાટુથી માર માર્યો હતો જે બાદ હિમેશના માતા-પિતા નરોતમભાઈ અને ગૌરીબેન પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ ભરતભાઈને ગાળો બોલી, ઝપાઝપી કરી અને માર માર્યો હતો, જે દરમિયાન ભરતભાઇના પત્ની તેમને બચાવવા આવ્યા ત્યારે હિમેશની માતા ગૌરીબેને તેમના વાળ પકડી પછાડી દીધા હતા. ત્યારબાદ દેકારો થતા ભરતભાઈના અન્ય પરિવારજનો દ્વારા તેમને વધુ મારથી છોડાવ્યા હતા.
સમગ્ર બનાવ બાદ મારપીટના કારણે ભરતભાઇના કપડા આરોપીઓએ ફાડી નાખ્યા હોય ત્યારે ભયના કારણે ભરતભાઈ પોતાના ઘરે જઇ તમામ આરોપીઓ તેમને જાનથી મારી નાખશે તેવી બીકથી પોતાની જાતે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવારમાં ટંકારા સરકારી હોસ્પિટલમાં જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ સમક્ષ આરોપી હિમેશ ચૌહાણ, હિરેન ચૌહાણ, ગૌરવ ચૌહાણ, નરોત્તમભાઈ ચૌહાણ તથા ગૌરીબેન ચૌહાણ એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.