મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે બે બાઈક ઉપર સવાર ચાર શખ્સોએ આવી યુવક ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલાના કારણમાં યુવક તેના અન્ય મિત્ર સાથે રખડતો હોય, જે મિત્ર સાથે બાઈક ઉપર આવેલ શખ્સોને મનદુઃખ ચાલતું હોય જે બાબતે યુવકને પ્રથમ જુના બસ સ્ટેન્ડ ત્યારબાદ મોરબીની રાષ્ટ્રીય શાળા પાસે લઇ જઈ લોખંડના પાઇપ તથા ઢીકાપાટુ સહિતનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ મૂંઢ ઇજાઓને કારણે સારવાર લઇ રહેલા યુવકે ચારેય આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભાવિનભાઈ કાનજીભાઈ મકવાણા રહે. શનાળા રીડ હાઉસિંગ ત્રણ માળીયાવાળો ગત તા.૦૫/૦૬ ના રાત્રીના ૧૨ વાગ્યા અરસામાં પોતાના મિત્ર અભયભાઈ સાથે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ચામુંડા ચા ની દુકાને ચા પીવા ગયા હોય ત્યારે બે બાઈક ઉપર આવેલા ચાર શખ્સો પ્રકાશભાઇ રસીકભાઇ કોળી, અનિલ પ્રેમજીભાઇ કોળી, કાનજીભાઇ ધનજીભાઇ રાવળ તથા બ્રિજરાજસિંહ જગતસીંહ જાડેજા રહે.મોરબી ભાવિનભાઈના બાઈક આડે બંને બાઈક રાખી કહેવા લાગ્યા કે ‘ તું તારા મિત્ર સુરેશ સવજી કોળી સાથે કેમ રખડશ તેની સાથે અમારે મનદુઃખ ચાલે છે’ તેમ કહી પાઇપ વડે એક ઘા મારી અપશબ્દો બોલી મોરબીની રાષ્ટ્રીય શાળા નજીક બોલાવી ત્યાં ભાવિનભાઈને ચારેય શખ્સોએ લોખંડના પાઇપ વડે હાથ પગ, વાસામાં આડેધડ ઘા માર્યા હતા. બનાવ બાદ ભાવિનભાઈને શરીરે પહોંચેલ મૂંઢ ઇજાઓને કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાંથી ભોગ બનનાર ભાવિનભાઈએ ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.