રાજ્યમાં હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું એ મુદ્દે આમ આદમી પાર્ટી તથા યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા, ઈસુદાન ગઢવી સહિતના કાર્યકરો પેપરલીંક મુદ્દે ગુજરાતના ભાજપ કાર્યાલય કમલમમાં વિરોધ કરવા જતાં 64 જેટલા કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી.
જેથી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના નારા સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના યોગેશભાઈ રંગપરીયાના નેતૃત્વમાં મોરબીમાં હેડ ક્લાર્ક પેપરલીંક મામલે શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે વિરોધ નોંધાવી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળની અસિત વોરાને તાત્કાલિક એમના પદથી દુર કરવામાં આવે તથા અગાઉના પરીક્ષા સહિત તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતાળા વળતર તરીકે રૂ.50 હજાર ચૂકવવામાં આવે તેવી આમ આદમી પાર્ટી મોરબી માંગ કરી હતી.
ત્યારે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલ આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે યોગેશ રંગપરીયાએ હલકી કક્ષાના ભાજપના નેતાઓ પેપર ફોડનાર ચોરોને બચાવવા પોલીસનો દુરપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.