મોરબીમાં જાહેર શૌચાલયોની ગંભીર અછત છે. સામાકાંઠા વિસ્તારમાં હાલના શૌચાલય બિસમાર અને ખરાબ હાલતમાં છે. આમ આદમી પાર્ટીના જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિરેન વૈષ્ણવ અને મહામંત્રી પંકજ આદ્રોજાએ તંત્રને રજૂઆત કરી છે કે સામાકાંઠાના બંધ જાહેર શૌચાલયને શરૂ કરવામાં આવે અને મહેન્દ્રનગર વિસ્તારમાં નવુ જાહેર શૌચાલય બાંધવામાં આવે.
મોરબી શહેર વિકાસની દોડમાં આગળ વધી રહ્યું છે, પરંતુ જાહેર શૌચાલયોની અછત હજુ પણ મોટી સમસ્યા બની રહી છે. ખાસ કરીને ઝોન-૨માં આવતા સામાકાંઠા વિસ્તારમાં આ પાયાની સુવિધાનો ગંભીર અભાવ છે. હાઉસિંગ બોર્ડ પાસે આવેલ એકમાત્ર જાહેર શૌચાલય જર્જરિત હાલતમાં છે, જેને તાત્કાલિક રીનોવેશન કરવાની જરૂર છે. આ ઉપરાંત સંતોષ સિલેક્શન સામે આવેલ જાહેર શૌચાલય છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને પસાર થનારા લોકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિરેનભાઈ વૈષ્ણવ તથા જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે બંધ જાહેર શૌચાલયને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે અને સાથે જ મહેન્દ્રનગર વિસ્તારમાં, જ્યાં ટ્રાફિક અને ભીડભાડ ખૂબ રહે છે, ત્યાં નવું જાહેર શૌચાલય બાંધવામાં આવે, તેમ યાદીમાં જણાવ્યું છે.