રાજપર ગામે ખેત-મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો શખ્સ બાઇક ઉપર આવી સગીરનું અપહરણ કરી લઈ ગયો
મોરબી તાલુકાના નાગલપર ગામે મધ્યપ્રદેશના ખેત-શ્રમિક પરિવારના ૧૩ વર્ષીય પુત્રના અપહરણની ઘટના સામે આવી છે. અગાઉ અપહ્યુત સગીરના નાના સાથે ખેત મજૂરી કરતો હાલ રાજપર ગામે રહેતો મૂળ મધ્યપ્રદેશના શખ્સે સગીરનું અપહરણ કર્યું હોય, અપહરણના બનાવમાં ઉપરોક્ત અપહરણકર્તા આરોપીની પત્ની તેને છોડીને ક્યાંક ચાલી ગયેલ હોય તેની શોધમાં બાઇક લઇને નાગલપર ગામે આવ્યો અને ૧૩ વર્ષીય બાળકને લલચાવી બાઇક ઉપર બેસાડી અપહરણ કરીને જતો રહ્યો હોવાની હાલ અપહ્યુત સગીરના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના નાગલપર ગામે ભાવેશભાઈ થોરાળાવાળાની વાડીયે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અવલ્દા બસાવટ ગામના નિવાસી કમલ ભારસિંગ સિંગાસિંગ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી બબલુ પ્રકાશ નીનામા જે હાલ મોરબીના રાજપર ગામે રહી ખેત મજૂરી કરતા મૂળ ખુરદાખુરજી ગામ મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૧૨/૧૧ના રોજ બપોરે આશરે અઢી વાગ્યે, કમલ અને તેના પરિવારના સભ્યો ખેતરે કામ કરી રહ્યા હતા. ત્યારે આરોપી બબલુ નીનામા, જે અગાઉ કમલના સસરા સાથે ખેત-મજૂરી કરતો હોય તે તેની પત્નીની શોધમાં ત્યાં બાઇક લઈને આવી પહોંચ્યો હતો.
ત્યારે આરોપી બબલુએ ખેત-શ્રમિક કમલના ૧૩ વર્ષીય પુત્ર શીવાને લલચાવી ફોસલાવી બાજુની દુકાનમાં જવાનું કહી બાઇક પર બેસાડી સંમતિ વગર સાથે લઈ ગયો હતો, જે બાબતે કમલ અને તેના પરિવારને જાણ થતા અપહરણકર્તા બબલુને ફોન કરી સંપર્ક કરતા આરોપી બબલુ દ્વારા કહ્યું કે, તે બાળક સાથે શનાળા સુધી ગયો છે જે આજદિન સુધી કમલના પુત્રને પરત મૂકી ગયો ન હોય જેથી હાલ કમલ અને તેના પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકમાં આરોપી બબલુ પ્રકાશ નીનામા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.