કોટડા નાયાણી કણકોટ સહિતના ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે 28000 ક્યુસેક પાણીની આવક થતા પાણીનો ધોધ વહયો :ખેડુતો ખુશ ખુશાલ
ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં રવિવાર સવારથી રાત્ર સુધી મેઘરાજા સતત હેત વરસાવી રહ્યા છે ત્યારે વાંકાનેરના કોટડા નાયાણી કણકોટ સણોસરા સહિતના ગામે અનરાધાર વરસાદ વરસતા નદી, નાળા, તળાવ છલકાઈ ગયા છે અને પ્રચંડ માત્રામાં પાણીનો આ પ્રવાહ મિતાણા નજીક આવેલ ડેમી-1 ડેમમાં ઠાલવાતા માત્ર 6 કલાકમાં જ ડેમ 60 ટકાથી વધુ ભરાઈ ગયો છે અને હાલમાં જલસપાટી 18 ફૂટે પહોંચી ગઈ છે.
ઓણસાલ ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યા બાદ મેઘરાજા રિસાયા હોય તેવી સ્થિતિમાં અડધો અષાઢ મહિનો કોરો જતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. તેવામાં ગતરાત્રિથી ટંકારા અને વાંકાનેર પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસવાનું શરૂ કર્યું છે. જેમાં સાંજ બાદ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે અનરાધાર વરસાદ વરસતા નદી, નાળા, તળાવો છલકી જતા આ તમામ પાણીનો જથ્થો હાલ મિતાણા નજીક આવેલ ડેમી-1માં ઠાલવાતા તળિયા ઝાટક બનેલો ડેમી-1 ડેમ 18 ફૂટની સપાટીએ પહોંચી ગયો છે.
સિંચાઈ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ડેમી-1 ડેમમાં ગઈ રાત્રે 28000 ક્યુસેક પાણીની જંગી અકલ્પનિય આવક ચાલુ હતી અને ભૂતકાળમાં પણ આ ડેમમાં આટલી વિપુલ જળરાશી આવી ન હોવાનું જણાવી રહ્યા છે. કુલ 23 ફૂટની જળસપાટી ધરાવતા ડેમી -1 ડેમમાં આ લખાય છે ત્યારે પણ મહાસાગરની જેમ જળપ્રવાહ આવી રહ્યો છે નુ મિતાણા તલાટી કમ મંત્રી નરેશભાઈ સોનારા એ જણાવ્યું છે.