વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને પ્રિન્સીપાલના અભિગમ સામે ABVPનો તીવ્ર રોષ, ૧૫ દિવસમાં નિવારણની બાહેંધરી
મોરબી એલ.ઈ.કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ABVPએ શરૂઆતમાં શાંતિપૂર્ણ રજૂઆત કરી હતી, પરંતુ પ્રિન્સીપાલના અવિનયપૂર્ણ વર્તન બાદ સ્થિતિ ઉગ્ર બની હતી. ત્યારે વિરોધ પ્રદર્શન બાદ કોલેજ પ્રશાસને ૧૫ દિવસમાં વ્યવસ્થાઓ સુધારવાની બાહેંધરી આપી હતી.
મોરબીમાં એલ.ઈ.કોલેજના હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ અંગેની તકલીફો બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા અગાઉ તારીખ ૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રશ્નોના નિરાકરણ અંગે માહિતી મેળવવા ABVPના કાર્યકર્તાઓ તારીખ ૩૦ એપ્રિલે સવારે ૧૧:૩૦ કલાકે કોલેજના પ્રિન્સીપાલને મળવા ગયા હતા. પરંતુ પ્રિન્સીપાલ દ્વારા મળવાનો ઇનકાર કરી ગેરવ્યાજબી જવાબ આપ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ દ્વારા બપોરે ૨:૩૦ સુધી શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ હકારાત્મક અભિગમ ના લેવાતા ABVPના કાર્યકર્તાઓએ તીવ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
એલ.ઈ. કોલેજ પ્રશાસને વિરોધ પ્રદર્શન અટકાવવા પોલીસની સહાય લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે પ્રિન્સીપાલે રજૂઆત સ્વીકારી હતી. રજૂઆત દરમિયાન જાણવા મળ્યું કે હોસ્ટેલમાં હાલ સુધી કોઈ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી અને કોલેજ કેમ્પસમાં પણ સ્વચ્છતા અને પાણી જેવી સુવિધાઓની ઘોર ઉણપ છે, અને પ્રિન્સીપાલ દ્વારા નિવેદન આપ્યું કે, “આ પ્રશ્નોનું નિરાકરણ મારાથી શક્ય નથી. જેથી “ABVP મોરબી દ્વારા આ નિવેદનને ગંભીરતાથી લેતાં તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી હતી, આથી વિરોધ પ્રદર્શનના અંતે કોલેજ પ્રશાસને ૧૫ દિવસની અંદર હોસ્ટેલ તેમજ કોલેજ કેમ્પસમાં વ્યવસ્થાઓ સુધારવાની બાહેંધરી આપી હતી.