રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરીના કરાર આઘારીત ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીને લાંચની રકમ લેતાં પકડી પાડવામાં આવ્યો છે. ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે સેમેસ્ટર ૬ નું એટીકેટીનું ફોર્મ શરત ચૂકથી ભરાવાનું રહી જતા ફોર્મ ભરવા રૂ. ૫,૦૦૦ ની માંગ કરી હતી. જે રૂ. ૫,૦૦૦ ની લાંચ લેતા એ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ફરીયાદીએ પોતે અભ્યાસ કરાતા હોય અને પોતાને સેમેસ્ટર-૬ નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયું હતું. જે સેમેસ્ટર-૬ નું લેટ ફોર્મ ભરાવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂા.૫,૦૦૦/- ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરી ખાતે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન કરાર આધારિત ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીએ ફરીયાદી સાથે વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦૦/- ફરીયાદી પાસેથી માંગી, સ્વીકારતા પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરતા એ. સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યો છે…
જેમાં રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા તેમજ એ. સી.બી. સ્ટાફ દ્વારા ટ્રેપીંગ અધિકારી તરીકે અને એ.સી.બી. રાજકોટ એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ સુપર વિઝન અધિકારી તરીકે કામગીરી કરવામાં આવી હતી