માળીયા (મી) પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા એક શખ્સ ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચ માંગી હતી. જેને લઈ એ.સી.બી. દ્વારા ટ્રેપ ગોઠવી કોન્સ્ટેબલ તથા તેના એક મળતિયાને લાંચ લેતા રંગે હાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા (મી)ના એક જાગૃત નાગરીક ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા માળીયા (મી) પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાયમલભાઇ નાનજીભાઇ સીયાળે રૂા.૧,૦૦,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. અને આ રૂપિયા ગુલામરસુલ હૈદરભાઇ જામને આપી દેવાનું જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ ના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબી પીઆઇ એમ.એમ. લાલીવાલા ની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.જે દરમીયાન ગુલામરસુલ દ્વારા રાયમલભાઇ વતી લાંચ લેતા એ.સી.બી. દ્વારા રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.