જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામના તલાટી કમ મંત્રી દ્વારા મેમોરેન્ડમ આપવા યુવક પાસેથી રૂ.૧૫૦૦/-ની લાંચ માંગવામાં આવતા એ.સી.બી. દ્વારા છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાનાં પરબ વાવડી ગામ ખાતે યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા. જેને સરકાર તરફથી આર્થીક સહાય મળવા પાત્ર હતી. જે માટે યુવકને લગ્ન સ્થળેથી તલાટી મંત્રી દ્વારા અપાતા મેમોરેન્ડમની જરૂરીયાત હોવાથી તેને તલાટી મંત્રી જયદીપભાઈ જનકભાઈ ચાવડાનો સંપર્ક કર્યો હતો. જે મેમોરેન્ડમ મેળવવા માટે તલાટી મંત્રીએ યુવકના ભાઈ પાસેથી રૂ.૧૫૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમની માંગણી કરી હતી, આ લાંચની રકમ તેઓને ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપનું સ્કેનર/ક્યુઆર કોડ મોકલીને આપી દેવાનું કહ્યું હતું. જે લાંચની રકમ યુવક આપવા માંગતા ન હોવાથી તેણે એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે એ.સી.બી. એ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચના નાણાં રૂ.૧૫૦૦/- ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપના સ્કેનર/ક્યુઆર કોડથી સ્વીકારી, લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા થયાની સ્વીકૃતિ આપતા જ એ.સી.બી. દ્વારા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.