હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર માર્ગ અકસ્માતના બનાવમાં વનવગડો હોટલ નજીક કાર ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવતા કાર ઉપર કાબુ ગુમાવતા, કાર અને ટ્રક-ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકને પગમાં અને પેટના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે કારમાં સવાર કારખાનેદાર યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના સરા રોડ ઉપર ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા અમૃતભાઈ મોહનભાઇ મોટકા ઉવ.૬૯ એ હળવદ પોલીસ મથકમાં આરોપી કાર ચાલક મેહુલભાઈ રમણિકભાઈ મોટકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઈ તા.૩૦/૦૭ના રોજ સવારે ફરિયાદીના કુટુંબી ભાઈ કેતનભાઈ હરજીવનભાઈ મોટકા પોતાની આઈ-૧૦ કાર રજી.નં. જીજે-૩૬-એલ-૬૪૧૫માં પોતાના માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કારખાને જતા હતા, જે કાર ડ્રાઇવર તરીકે રાખેલ મેહુલભાઈ રમણિકભાઈ મોટકા ચલાવતા હતા, ત્યારે મેહુલભાઈએ ઉપરોક્ત આઈ-૧૦ કાર ફૂલ સ્પીડમાં અને બેફિકરાઈથી ચલાવી, કાર ઉપર કાબુ ગુમાવતા, માળીયા હાઇવે વનવગડો હોટલ નજીક કાર સામેથી આવતા ટ્રક-ટ્રેઇલર રજી.નં. જીજે-૩૯-ટીએ-૧૫૨૦ સાથે અથડાવી દેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે અકસ્માતમાં કેતનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક મેહુલભાઈને પગમાં અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.