માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામ નજીક હાઈવે પર બે ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં એક મજૂરનું મોત થયું છે. આગળ જતાં ટ્રેક્ટરે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા ટ્રેક્ટરના ચાલકે ફૂલ સ્પીડમાં આવી અથડાવતા ટ્રેક્ટર-ટ્રોલીમાં સૂતેલ મજૂર નીચે પડી જતા છાતીમાં તેમજ શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં મૃતકની પત્નીએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
માળીયા-જામનગર હાઈવે ઉપર ચાચાવદરડા ગામ નજીક રાત્રીના સમયે બે ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મજૂરનું મોત થયું છે. આ અંગે મૃતકની પત્ની સુમીત્રાબેન ભુંડારામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ પવાર ઉવ.૨૩ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, કે, તા. ૨૪/૧૧/૨૦૨૫ના રોજ રાત્રીના સમયે રાજસ્થાનથી ગુજરાત તરફ કુવા ખોદકામની મજૂરી માટે આવી રહેલા મજૂરો અલગ-અલગ ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. સોનાલીકા ટ્રેક્ટર રજી. નં. આરજે-૫૪-આરએ-૪૭૩૦માં ફરિયાદી સુમીત્રાબેન સહિત અન્ય પરિવારજનો બેઠેલા હતા, જે ટ્રેક્ટર શેઠ કાનારામ બાવરી ચલાવી રહ્યા હતા. તેની પાછળ મેસી ટ્રેક્ટર રજી. નં. આરજે-૧૯-આરસી-૮૦૨૨ જે આરોપી ઓમપ્રકાશ ધનારામ બાવરી ચલાવી રહ્યો હતો, જે ટ્રેક્ટરની ટ્રોલીમાં ફરિયાદી સુમીત્રાબેનના પતિ ભુંડારામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ બાવરી સૂતેલા હતા. ત્યારે ચાચાવદરડા ગામ નજીક હાઈવે રોડ પર વળાંક પાસે અચાનક એક ટ્રક સામે આવી જતા આગળના સોનાલીકા ટ્રેક્ટરના ચાલકે અચાનક બ્રેક મારવી પડી હતી. તે સમયે પાછળથી આવતું મેસી ટ્રેક્ટરના ચાલક આરોપી ઓમપ્રકાશથી સમયસર બ્રેક ન લગાવી શકતા આગળની ટ્રોલીમાં જોરદાર રીતે અથડાયું હતું. અકસ્માતમાં મેસી ટ્રેક્ટરની ટ્રોલીમાં સૂતેલા ભુંડારામ નીચે પડી ગયા હતા અને તેમને છાતી તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ માળીયા ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે ટ્રેક્ટર ચાલક આરોપી ઓમપ્રકાશ ધનારામ બાવરી રહે.કાવલીયા ખુર્દ તા.જેતારણ જી.પાલી રાજસ્થાન વાળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









