મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડે દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ૧૬ વર્ષથી નાસતો ફરતો ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડ્યો છે. પકડાયેલ આરોપી સામે મોરબી તથા જામનગર જીલ્લાના કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હા નોંધાયેલા હતા.
મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ. જયેશભાઈ વાઘેલા, કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા તથા કૌશિકભાઈ મણવરને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તથા જામનગર જીલ્લાના એ ડીવી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખેત મજૂરી કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી મળેલી ચોક્કસ અને ભરોસાપાત્ર માહિતીના આધારે પોલીસ ટીમ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામની સીમમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાંથી આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા ઉવ.૪૫ રહે. વાગધારી ફળિયા ફુટતાલાબ તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ૧૬ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. હાલ પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો છે. આમ, મોરબી જીલ્લાના એક તથા જામનગર જીલ્લાના બે મળી કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી છે.









