મોરબી શહેરમાં તાજેતરમાં માનવતાને કલંકિત કરતી ઘટનામાં યુવતીએ પોતાની ઓફિસમાં માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાન પગાર ન ચૂકવી અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે માર માર્યા બાદ યુવતીએ પગાર આપવાને બદલે પોતાનું પગરખું યુવાનના મોઢામાં લેવડાવવાની ઘટના સામે આવી હતી. જે બનાવમાં આરોપી દ્વારા અપાયેલ જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાંથી હાલમાં જ એક મામલો સામે આવ્યો હતો, જેમાં અનુસૂચિત જાતિના યુવાનને પગાર મામલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે ફરિયાદ નોધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ છ આરોપીને ઝડપ્યા હતા અને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે બધા આરોપીને જેલ હવાલે કર્યા હતા. જેઓ હાલ મોરબી સબ જેલમાં બંધ છે. ત્યારે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત ભગલાણી, પ્રીત વડસોલા અને ક્રિશ મેરજા દ્વારા મોરબી સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની અરજી મોરબી સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટ દ્વારા નામંજૂર કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ મયૂર રબારી ઉર્ફે ડી. ડી.રબારી નામના આરોપીનો જામીન પર છુટકારો થયો છે.