મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં બનેલ હત્યાના કેસમાં મોરબી તાલુકા પોલીસે આરોપી મુળુભાઈ ઉર્ફે સાગર ડાંગરને અમદાવાદથી ઝડપી લીધો છે. હત્યાની ઘટનામાં આરોપીએ કિશનભાઈને છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું.
મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં થોડા સમય પહેલા એક ખૂનનો ગંભીર બનાવ બન્યો હતો. જેમાં કિશનભાઈ નામના આશાસ્પદ યુવાનને આરોપી મુળુભાઈ ઉર્ફે સાગર આયદનભાઈ ડાંગર, રહે. સતનામ સોસાયટી, નાની વાવડી, મોરબી મૂળ રહે.ખાખરાળા વાળાએ કોઈ અંગત રાગદ્વેષના કારણે હત્યા નિપજાવી હતી, ઘટના દિવસે આરોપીએ કિશનભાઈ સામે બંદૂક તાકી ફાયર કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ફાયર ન થતા આરોપીએ પોતાના પાસે રહેલી છરી વડે કિશનભાઈના છાતી, ખભા, હાથ અને અન્ય ભાગોમાં ગંભીર ઘા ઝીંકી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જે કારણે કિશનભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે. ચારેલની આગેવાની હેઠળ પોલીસે આરોપીની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સને આધારે તપાસ ચલાવી હતી. દરમિયાન ખાનગી બાતમીને આધારે આરોપી અમદાવાદના ગીતા મંદીર બસ સ્ટેશન ખાતે આવવાનો હોય જેથી પોલીસે વોચ ગોઠવી અને આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લઈ, હસ્તગત કરી આગળની કાર્યવાહી ચલાવી છે.