હળવદમાં વર્ષ ૨૦૨૧ માં બે લોકોના ઝગડામાં વચ્ચે સમાધાન કરવા ઉતરેલ યુવક પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈસમોએ છરી વડે યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે આજ રોજ પી.વી શ્રીવાસ્તવ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અને ચારેય આરોપીઓને આજીવન કેસની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, તા.૧૪/૦૩/૨૦૨૧ ના રોજ ઉમરભાઇ કાસમભાઇ સાથે આરીફ જામ એ મસ્કરી કરી ઝગડો કર્યો હતો. ત્યારે અવેશભાઇ સમજાવવા જતા આરીફ જામ, હૈદર મોવર, ગફુર કાજેડીયા તથા અબ્દુલ કાજેડીયાએ છરી તથા ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરી હુમલો કર્યો હતો. જેમાં આરીફ જામએ અવેશને છરી વતી પીઠના ભાગે જીવલેણ ઇજા કર્યો હતો તથા હૈદરે ધોકા વતી સામાન્ય ઇજા કરી તથા તમામ આરોપીઓએ ઢીકા પાડુનો માર મારી જીવલેણ હુમલો કરતા અવેશનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે એક બાદ એક ચારેય આરોપીઓની અટકાયત કરી હતી. જે કેસ પી.વી શ્રીવાસ્તવ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ વિજય સી જાની ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.તથા તમામને 15000-15000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.