રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશનુ આયોજન રાખવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લાના ચાંગોદર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ જે અનુસંધાને એલ બી.સી.ની પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં ચોરનાં ગુન્હાનો નાસતો ફરતો આરોપી શંભુસીંગ જેમલસીંગ કહાર (રહે,બાસુચક, શેખપાના, થાના સરૈયા જી.મુજફ્ફરપુર (બિહાર)) હાલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ હકીકત વાળી જગ્યાએ તપાસમાં જતા આરોપી શંભુસિંહ જયમંગલસિંહ કહાર આજરોજ તા.૧૪/૦૯/૨૦૨૪ ના ચાંગોદર ઇન્ટાસ ફાર્માસ્યુટીકલ્સ કંપની ખાતેથી મળી આવતા ઇસમને પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો છે.
મોરબી એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન.પરમાર, હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા, બળદેવભાઇ વનાણી તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રા, કૌશિકભાઇ મણવર, વિક્રમભાઇ રાઠોડ વિગેરેનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.