મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધરમપુર ગામના પાટીયા પાસે તા. 21/02/2022 ના રોજ ફરિયાદી અને તેના કાકા મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી માર માર્યો હતો જેમાં મૃત્યુ થયાનો બનાવ બનતા કેસ ચાલ્યો હતો જે કેસમાં આજરોજ મોરબીના બીજા અધિક સેશન્સ જજ સાહેબ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે..
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધરમપુર ગામના પાટીયા પાસે તા.૨૧/૦૨/૨૦૨૨ ના સાંજના સવા છએક વાગ્યાના આસપાસ ફરિયાદી મોહિતકુમાર ઉદયભાન સેંગલ અને તેના કાકા ઉદયસિંગ સાથે મોટર સાઈકલ પર નીકળતા ફરિયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બીન્દુ છતરસિંહ સેંગરે પોતાના ગામના અન્ય બે આરોપી પુષ્પેન્દુસિંહ ઉર્ફે લલ્લા રાજેન્દ્રસિંહ સેંગર તથા રામનરેશસિંહ બીરેન્દ્રસિંહ ભદોરીયાએ વાહન ઉભુ રખાવી બોલાચાલી કરી લોખંડના સળિયાથી માર મારતા ફરિયાદીના કાકા ઉદયસિંગને માથામાં લોખંડનો સળિયો મારી દેતા બેભાન હાલતમાં હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા. ૨૬/૦૨/૨૦૨૨ ના રોજ બેભાન હાલતમાં મૃત્યુ થયાનું ડોકટરે જાહેર કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી તેમજ હત્યા કર્યાનો ગુન્હો દાખલ કરાયો હતો. જે કેસ મોરબીના બીજા અધિક સેશન્સ જજ કમલ રસિકલાલ પંડયા સાહેબની કોર્ટમાં ચાલતા કેસ દરમિયાન 18 મૌખિક પુરાવા તેમજ 55 લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ બચાવ પક્ષના ધારાશાસ્ત્રી એચ.એન મહેતા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી જે દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટ દ્વારા આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બીન્દુ છતરસિંહ સેંગર, પુષ્પેન્દુસિંહ ઉર્ફે લલ્લા રાજેન્દ્રસિંહ સેંગર અને રામનરેશસિંહ બીરેન્દ્રસિંહ ભદોરીયાને ગુન્હામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવ્યા છે. તેમજ ફરિયાદી તરફથી હાઈકોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવે તો અપીલમાં હાજર રહેવા બાબતે દરેક આરોપીએ હુકમની તારીખ થી ત્રણ દિવસ માં રૂા.૫૦૦૦/- ના જામીન અત્રેની અદાલતમાં રજૂ કરવા માટેનો હુકમ પણ કરવામાં આવ્યો છે.