આજના યુવાનોમાં પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોલોઅર વધારવા તથા સમાજમાં ભયનો માહોલ ફેલાવવા હથિયારો સાથેના ફોટાઓ અપલોડ કરવાની ઘેલછામાં કાયદાનો ભંગ કરતા હોય છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મોરબીના ટ્રેડિંગના વેપાર સાથે સંકળાયેલ યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં હથિયાર સાથેના ફોટા અપલોડ કર્યા હોય જે સીટી એ ડિવિઝન પોલીસ ટીમ કે જેઓ સતત સોશ્યલ મીડિયા ઉપર વોચ રાખી આવા સીન સપાટા કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ હોય તે બાબત ધ્યાને આવતા તુરંત રિવોલ્વર સાથેના ફોટા અપલોડ કરનાર તથા ફોટા પડાવવા પોતાનું પરવાના ધરાવતું હથિયાર આપનાર એમ બંને વિરુદ્ધ હથિયારધારાની શરત ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના અવની ચોકડી નજીક મધર પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નં ૬૦૨ માં રહેતા મયુરભાઇ શાંતીલાલ વડસોલા ઉવ.૩૧ એ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર રિવોલ્વર સાથેના ફોટા મુક્યા હોય જે બાબત મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમના ધ્યાને આવતા સમગ્ર બાબતે તપાસ કરતા યુવાન પાસે રિવોલ્વર રાખવાનો પરવાનો ન હોવા છતા સમાજમાં ભય ઉભો કરવા કે સીન સપાટા કરવા માટે થઈને રિવોલ્વર સાથેના ફોટા મુક્યા હતા જેથી પોલીસે મયુર વડસોલાની અટક કરી હતી. આ સાથે પરવાનો ધરાવતું હથિયાર ફોટા પડાવવા આપનાર નિશીતભાઇ રમેશભાઇ પટેલ ઉવ.૨૯ રહે.ફ્લોરા હાઉસ ,ગેંડા સર્કલ પાસેની પણ અટક કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.