મોરબી જીલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ મકાન, ગોડાઉન કે અન્ય મિલકત ભાડે આપે તો મિલકત-માલીકે ભાડા કરાર તેમજ ભાડુઆતની માહિતી સંબંધિત પોલીસ મથકમાં આપવાની હોય છે ત્યારે સીટી બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત જાહેરનામાના નિયમોના ઉલ્લંઘન કરતા વધુ બે મિલકત-માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પ્રસિદ્ધ જાહેરનામા અંતર્ગત તપાસની કામગીરીમાં હોય તે દરમિયાન વીસીપરા મેઈન રોડ ઉપર લાકડાના ગોડાઉનમાં તપાસ કરતા આ ગોડાઉન ભાડે રાખેલ હોય જે બાબતે ભાડા કરાર કે તેની માહિતી સંબંધિત પોલીસ મથકમાં આપેલ ન હોય જેથી તુરંત મિલકત માલીક આરોપી હરગોવિંદભાઈ દયારામભાઈ ચૌહાણ ઉવ.૫૮ રહે.કૃષ્ણ સોસાયટી, સેન્ટમેરી સ્કૂલ ફાટક નજીક વાળાનો સંપર્ક કરી સ્થળ ઉપર બોલાવી તેની અટક સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વીસીપરા વિસ્તારમાં જ આવેલ ગોડાઉન ભાડે રાખી તેમા ભંગાર લે વેચનો ધંધો કરતા ભાડુઆત પાસે ગોડાઉનનું ભાડા કરાર ન હોય જેથી ગોડાઉન માલીક આરોપી ઝાકીર યુનુસભાઈ મોટલાણી ઉવ.૨૮ રહે.વીસીપરા બિલાલી મસ્જિદ પાસે વાળાને સ્થળ ઉપર બોલાવતા ઉપરોક્ત ગોડાઉન માટેનો ભાડા કરાર કે મિલકત ભાડે આપ્યા અંગેની માહિતી પોલીસ મથકમાં ન આપી હોવાની કબુલાત આપતા તુરંત બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.