મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ
ગેરહાજર રહેનાર કર્મચારીઓને રૂબરૂમાં હાજર રહી ખૂલાસો કરવા જણાવાયું
મોરબી : કોવીડ-૧૯ વૈશ્વિક મહામારીમાં મોરબી જિલ્લામાં સરકારી કર્મચારીઓ દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ મોરબી ખાતે પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં મળેલ મિટિંગમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા એક્ટિવ સર્વેલન્સ ટીમો બનાવીને કામગીરી સોંપવા અંગે સુચના આપવામાં આવી હતી. આ સુચના અનુસાર જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા એક્ટિવ સર્વેલન્સ ટીમોની રચના કરવામાં આવી હતી અને વર્ગ ૩-૪ ના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. રેપીડ એક્ટીવ સર્વેલન્સ સર્વેની કામગીરી સમાન રીતે અને યોગ્ય દિશા-નિર્દેશોનુસાર થાય તે માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ગેરહાજર રહેનાર ૮૦ કર્મચારીઓને જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલે નોટિસ પાઠવી વૈશ્વિક મહામારીમાં કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી ચલાવી ન લેતા કડક હાથે કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.
હાલે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધતો જાય છે અને સરકાર દ્વારા કોરોનાને નિયંત્રણ કરવા માટે વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. હાલમાં જ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવના નિર્દેશાનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં કોવીડ-૧૯ અંગેની સર્વેની કામગીરી હાથ ધરવા માટે એક્ટીવ સર્વેલન્સ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને સર્વેની કામગીરી સોંપતા પહેલા સર્વેની કામગીરી યોગ્ય દિશામાં થાય તે માટે તા.૦૫/૦૯/૨૦૨૦ રોજ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ભાગ લેવા અંગેની સુચનાઓ કર્મચારીઓને રૂબરૂ, મોબાઇલ તેમજ કચેરી મારફતે આપવામાં આવી હતી.