વહીવટી તંત્રના અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ કેળવી લોક કલ્યાણને પ્રાધાન્ય આપવા જણાવાયું.
મોરબી કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર તથા ઇન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહ’ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ કેળવી લોકકલ્યાણની કામગીરીને પ્રાથમિકતા આપવા જણાવવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર તથા ઇન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારીએ વહીવટી તંત્રને નિયમિત કામગીરીમાં સાચા અર્થમાં જાહેર સેવક બની સુશાસનને કામગીરીનો ભાગ બનાવવા, ટીમ વર્ક થકી લોક કલ્યાણની ભાવના સાથે ગ્રામ્ય વિસ્તારોના ગરીબો, વંચિતો અને જરૂરિયાત મંદને મુખ્ય પ્રવાહમાં લાવવા શક્ય તમામ પ્રયાસ કરવા અને તેમના ઉત્થાન માટે યોજનાઓની સાચી અમલવારી થાય તે પ્રકારનું માળખું ગોઠવવા જણાવ્યું હતું. આ વર્કશોપમાં શિક્ષણ વિભાગ, જીલ્લા પંચાયત, જીલ્લા ખેતીવાડી કચેરી, આત્મા પ્રોજેક્ટ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જીલ્લા આરોગ્ય વિભાગે તેમના દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી તથા યોજનાઓની અમલવારી વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપી હતી.
આ વર્કશોપમાં ડેપ્યુટી કલેકટર ઉમંગ પટેલ, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જીલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયા, નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જીલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ સહિતના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









