મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે કામગીરી કરવામાં આવે છે. ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઈને સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં વહીવટી કાર્યક્ષમતા અને ગ્રામ્ય લોકોની સેવાઓમાં વધારો કરવાના હેતુ સાથે આજરોજ તા.૦૩/૦૫/૨૦૨૫ ના રોજ વહીવટી તંત્રના ૨૪ અધિકારીઓ દ્વારા જિલ્લાના ૨૪ ગામડાઓની મુલાકાત લઇ ગામડાઓની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લાના કલેકટરની સૂચનાથી જિલ્લાના ૨૪ ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને ગ્રામ્ય વિકાસ તેમજ પ્રશ્નોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના ૧૧, માળિયા તાલુકાના ૫, હળવદ તાલુકાના ૩, ટંકારા તાલુકાના ૩ અને વાંકાનેર તાલુકાના ૨ ગામ મળી કુલ ૨૪ ગામમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ કરી સમીક્ષા કરવામાં આવી હતી.
જે આકસ્મિક મુલાકાત અંતર્ગત અધિકારીઓએ ગામડાઓમાં પીએચસી/ સીએચસી/ સબ સેન્ટરની કામગીરી અને સ્ટાફની હાજરી, તલાટી અને ગ્રામ સેવકની કામગીરી અને હાજરી, ગામમાં પીવાના પાણી બાબતે ઉપલબ્ધ સુવિધાઓ અને પડતી મુશ્કેલી, ગામમાં ગૌશાળા હોય તો ગૌશાળા ‘ગૌમાતા પોષણ યોજના’નો લાભ મેળવે છે કે કેમ ?, ગૌ વંશની નિભાવ અંગેની વ્યવસ્થા તેમજ સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ, ગામમાં મોડેલ ફાર્મ આવેલ હોય તો દરરોજ કેટલા લોકો તેની મુલાકાત લે છે ? મોડેલ ફાર્મની મુલાકાત લેનાર લોકોને મોડેલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવે છે કે કેમ ? તથા મોડેલ ફાર્મના ખેડૂતને થતા લાભ સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી.
આકસ્મિક મુલાકાત બાબતે સરકારીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડા સુધી પહોંચે અને રોડ-રસ્તા, આરોગ્યપ્રદ જીવનપ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર માટે સુલભ બને તે બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેથી અધિકારીઓએ આકસ્મિક મુલાકાત લઈ વહીવટી કાર્ય પધ્ધતિ અને સુવિધાઓને લઈને મૂલ્યાંકન કર્યું હતું.