મોરબીમાં જામનગરના ટ્રક ડ્રાઈવરને પૂર્વયોજિત કાવતરું રચી છરીની અણીએ સ્વીફ્ટ કારમાં અપહરણ કરી, ટ્રક અને તેમાં ભરેલા કોપરના ૨૪ ટન ફીંડલાના માલની લૂંટની ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ અપહરણ, લૂંટ અને ગુનાહિત કાવતરામાં સંડોવાયેલા સાત જેટલા શખ્સોએ આ સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો હોવાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે પાંચ નામ જોગ તથા બે અજાણ્યા સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામનગરના મુંગણી ગામે રહેતા અને ટ્રક ચલાવતાં લાલજીભાઈ ધનજીભાઈ વાડોલીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ગૌરાંગભાઈ પટેલ, ઈરફાનભાઈ, અમીતભાઇ વાજા, વસંતભાઈ વાઘેલા, અમીતભાઇ સારલા રહે.તમામ મોરબી તથા બે અજાણ્યા શખ્સો સહિત કુલ સાત આરોપીઓ
સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ૭ એપ્રિલના રોજ મોરબી નજીક જાંબુડીયા ગામ પાસે ડેલામાં કોલસો ખાલી કરીને ૮ એપ્રિલે સવારે તેમના શેઠના કહેવા મુજબ યોગી ટ્રાન્સપોર્ટ ખાતે નવો માલ ભરવા માટે પહોંચ્યા હતા. યોગી ટ્રાન્સપોર્ટના વિમલભાઈ દ્વારા ફોન ઉપર આપેલ માહિતી મુજબ જુના આરટીઓ કચેરી પાસે આરોપી ગૌરાંગભાઈ પટેલ જે માલ ભરી દે તે જામનગર પહોંચાડવાનો હતો, જેથી આરોપી ગૌરાંગભાઈના માર્ગદર્શન હેઠળ આરોપી અમિત વાજા અને ઈરફાનભાઈ દ્વારા તેમને કોપરના વાયરના ફીંડલા ટ્રકમાં ભરાવ્યા હતા. ત્યારબાદ વજન ચકાસી કાંટા-ચિઠ્ઠી મેળવી મોરબીના ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસે પાપજી ફેન વર્લ્ડ સામે પહોંચ્યા હતા. ત્યાં ટ્રક ચાલુ રાખી ટ્રક ચાલક લાલજીભાઈ તથા તેની સાથે રહેલ આરોપી અમિત વાજા નામનો વ્યક્તિ ચા-પાણી પીવા ગયા હતા, જ્યાંથી પરત આવ્યે આરોપી અમિત વાજા કહ્યા વિના અચાનક ત્યાંથી ચાલ્યો ગયો હતો, આ દરમ્યાન નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ કારમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ લાલજીભાઈને કોપર વાયરના માલનું “બિલ આપવાનું છે” કહી કારમાં બેસાડ્યા અને છરી બતાવી ધમકી આપી, તેનું અપહરણ કર્યું હતું. બાદમાં તેમને અલગ-અલગ જગ્યાએ ફેરાવતા હતા, આ દરમિયાન કોપર વાયર ભરેલ ટ્રક પણ ગાયબ થયો હતો. જે બાદ અપહરણકારો ટ્રક ચાલક લાલજીભાઈને સ્વીફ્ટ કારમાં જ ગોંધી રાખી માળીયા(મી) ઓનેસ્ટ હોટલ નજીક લઈ ગયા હતા, અબે રાતભર કારમાં જ રાખ્યા હતા, ત્યારે વહેલી સવારે તમામ અપહરણ કર્તાઓ સુઈ જતા, જે તકનો લાભ લઈને લાલજીભાઈ પોતાનો મોબાઇલ લઈને કારમાંથી નીકળી નાસી ગયા હતા.
અંદાજે રૂ. ૭ લાખના કોપરના વાયરનો માલ અને ટ્રકની લૂંટ બાદ લાલજીભાઈ રસ્તામાંથી ભાગી પોતાના શેઠ સાથે ફોનમાં સમગ્ર બનેલ બનાવ અંગે વાત કરતા, તેઓએ યોગી ટ્રાન્સપોર્ટના વિમલભાઈ સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું, જે બાદ ભોગ બનનાર લાલજીભાઈના શેઠ કીર્તિભાઈ જામનગરથી મોરબી આવ્યે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી શંકાસ્પદ અપહરણ અને લૂંટના આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.