બિસ્માર રસ્તાના મુદ્દે રહીશોના આક્રોશ બાદ તાત્કાલિક કામગીરી શરૂ થતાં મ્યુનિસિપલ કમિશનરે રાત્રે સ્થળ પર જઈ સ્થિતિની સમીક્ષા કરી.
મોરબીના કન્યા છાત્રાલય રોડની દયનીય સ્થિતિથી ત્રસ્ત રહીશોએ સાંજે શનાળા રોડ ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાએ આખા શહેરમાં ચર્ચા જગાવતાં તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ખાડા બુરવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારબાદ રાત્રે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ સ્થળ પર પહોંચી વિસ્તારના ખરાબ રોડનો તાગ લીધો અને રહીશો સાથે સીધી વાતચીત કરી હતી.
મોરબીના કન્યા છાત્રાલય રોડની ખખડધજ હાલત છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો માટે વિકટ બની હતી. સતત અવરજવર કરતા આ મુખ્ય માર્ગ પર ખાડાં, વરસાદી પાણીનો ભરાવ તથા આ ખાડાઓમાં ખાબકતા વાહનોની સમસ્યાને લઈને અંદાજે ૧૦ સોસાયટીના રહીશો દ્વારા સાંજે આશરે પાંચ વાગ્યાના સમયે શનાળા રોડ પર ચક્કાજામ કરીને તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. “ટેક્સ ભરીશું પણ સુવિધા નહી?” જેવા નારાઓ સાથે રોડ બંધ કરીને વિરોધ કરી રહેલા લોકોએ તાત્કાલિક કામગીરીની માંગણી કરી હતી. ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય સોની ઘટનાસ્થળે પહોંચ્યા બાદ રહીશો સાથે વાતચીત કરી અને ખાડા બુરવાનું મેટમિક્સ કામ તાત્કાલિક શરૂ કરાવતા રોડ પરનો ચક્કાજામ હટાવવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે રાત્રે આ સોસાયટીઓ અને કન્યા છાત્રાલય રોડ પર ગયા હતા. ત્યાં તેઓએ રોડની હાલતનું નિરીક્ષણ કર્યું અને ખાડા ભરવાના ચાલુ કામની સમીક્ષા કરી હતી. આ વેળાએ ડેપ્યુટી કમિશનર તથા અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કમિશનરે રહીશોની ફરિયાદો સાંભળી અને તાત્કાલિક નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી.