મોરબીમાં માર્ગ અકસ્માતનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી સામે આવી છે. જેમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવાનો પૈકી બેના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીના ઊંચી માંડલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ 12 AU 8427 નંબરના ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાયા હતા. અકસ્માતમાં બાઈક સવાર ત્રણ યુવાનો પૈકી નયન રાજુભાઈ ભરવાડ (ઉંમર ૧૪) અને સુનીલ હકાભાઈ ભરવાડ (ઉંમર ૧૮) નામના બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં કરણ ભરતભાઈ ભરવાડ (ઉંમર ૧૭) ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બનાવને પગલે ભરવાડ સમાજના લોકો મોરબી સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. તેમજ મોરબી તાલુકા પોલીસે બે યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.