પ્રસિધ્ધ ખોડિયાર માટેલ ધામ ખાતે શનિવારે ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં પૂજન વિધિ, ધ્વજારોહણ અને માતાજીને વિશિષ્ટ શણગાર કરાશે.
તા. 20ને શનિવારે મહા સુદ આઠમનાં રોજ આઈશ્રી ખોડિયાર જયંતિ નિમિત્તે સવારે મહંત હસ્તે મુખ્ય પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ બાવન ગજની ધ્વજા ચડાવાની વિધિ કરાશે. નિજ મંદિર અને માતાજીને પુષ્પોનો શણગાર કરાશે. સવારે 11થી બપોરે 3 અને સાંજે આરતી બાદ મહાપ્રસાદ યોજાશે.
ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાળુઓનાં આસ્થાનાં પ્રતિક માટેલ ધામ ખાતે આવેલ પાણીનાં ધરામાં ક્યારેય પાણી નહીં ખૂટતું હોવાની અને ધરાની અંદર પણ માતાજીનું દેવળ હોવાની વર્ષો જુની લોકવાયકા રહેલી હોય. અહીં આવનાર ભાવિકો આ ધરાનાં જળને પ્રસાદ રૂપે લઈ ધન્યતા અનુભવે છે.