મોરબીની શ્રી ખારી ત્રાજપર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમાર નરેન્દ્ર નાનજીભાઈએ પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે બી.એલ.ઓ. નિમણૂક પ્રક્રિયામાં જાતિવાદ અને પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યું છે, જેના કારણે તેમની શાળાના ૧૦ પૈકી ૯ શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય શાળાઓમાં વધુ શિક્ષકો હોવા છતાં ઓછા ઓર્ડર નિકળ્યા છે.
મોરબીની શ્રી ખારી ત્રાજપર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમાર નરેન્દ્ર નાનજીભાઈએ મોરબી પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી જણાવ્યું કે, તેમની શાળામાં ૩૫૮ વિદ્યાર્થીઓ છે અને ૧૦ શિક્ષકો ફરજ બજાવે છે, છતાં તાજેતરમાં થયેલી બી.એલ.ઓ. નિમણૂકમાં ૧૦ પૈકી ૯ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે મોરબી સિટીના નાયબ મામલતદાર ગાંભવાભાઈ દ્વારા જાતિવાદી અને પક્ષપાતી વલણ અપનાવી, ખાસ સમાજના શિક્ષકોને પ્રાધાન્ય અપાયું છે, જ્યારે એસસી, એસટી અને ઓબીસી સમાજના શિક્ષકોને મનઘડત રીતે વધુ નિમણૂક આપવામાં આવી છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે શાંતીવન પ્રાથમિક શાળામાં ૧૫ શિક્ષકો હોવા છતાં માત્ર ૩ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અમારી શાળામાં ૯ નિમણૂક થઈ છે. રજુઆતમાં તે પણ ઉલ્લેખ કર્યો કે કેટલીક મહિલા શિક્ષિકાઓને પણ એવા સંવેદનશીલ વિસ્તારોમાં ઓર્ડર આપવામાં આવ્યા છે, જ્યાં તેમને કામ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો સરકારી કચેરીઓમાં જ ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવે, તો વડાપ્રધાનના “સૌનો સાથ, સૌનો વિકાસ” ના વિચારનું સાર્થક થવું મુશ્કેલ છે. રજૂઆતની અંતમાં વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરીને, એક જ શાળામાંથી ૫૦ ટકા કરતાં વધુ નિમણૂક ન થાય તેવો નિયમ અમલમાં મુકવામાં આવે, જેથી બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર ન પડે. તેમજ આવા પક્ષપાતી વર્તન કરનાર કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.