મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અમુક દબાણો ન હટાવવાના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા, સમાન નીતિ અપનાવવાની માંગ.
મોરબી શહેરને મહાનગરપાલિકા દરજ્જો મળ્યા બાદ રસ્તાઓ અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે દબાણ દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ કામગીરીમાં ભેદભાવ હોવાનો આરોપ લગાવતા મોરબી મનપા કમિશ્નરને લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે અમુક દબાણો હટાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક દબાણો હજુ યથાવત છે. તેમણે માંગ કરી છે કે જે દબાણો હટાવવામાં નથી આવ્યા તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે ડીમોલેશન થાય અને સમગ્ર પ્રક્રિયામાં સમાનતા અને પારદર્શકતા જાળવી રાખવામાં આવે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં દબાણ દુર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે ટ્રાફિક અને શહેરી વિકાસ માટે જરૂરી પગલું છે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ ઝુંબેશની સરાહના કરવાના સાથે, તેમાં ભેદભાવ હોવાનો આક્ષેપ સાથે મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યુ કે મોરબી મહાનગરપાલીકા દ્વારા હાલમાં જે જે વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી કરવામાં આવેલ છે. તે તમામ વિસ્તારમાં ક્યાંક કે ક્યાંક ભેદભાવની નિતિ જોવા મળી રહેલ છે. જેના કારણે અમુક દબાણો દુર કરવામાં આવેલ નથી. જે દબાણો ક્યાં કારણોસર દુર કરવામાં આવેલ નથી તે એક વિચારનો વિષય છે.
તેમજ હાલમાં મનપા કમિશ્નરે મીડીયા મારફત જણાવેલ કે જે વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી કરવામાં આવેલ છે અને અમુક દબાણો દુર કરવામાં આવેલ નથી તેવા તમામ દબાણો પણ દુર કરવામાં આવશે. પરંતુ આવું શા માટે ? અમુક દબાણો ન હટાવી શું સાબીત કરવા માંગો છો? જે વિસ્તારમાં ડીમોલેશન કરો છો તે વિસ્તારમાં તમામ દબાણો દુર થવા જોઈએ. તેવું મોરબી શહેરની જનતા ઈચ્છે છે. જેથી મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં દબાણ હોવાનું જાણતા હોવા છતાં જે દબાણો દુર કરેલ નથી. તેનો ખુલાસો મોરબી શહેરની જનતા સમક્ષ કરવા તથા તેનો લેખીતમાં પ્રત્યુતર આપવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી.