મોરબીમાં વ્યાજખોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈ પોલીસ તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો અને તેમની રજૂઆતો સાંભળવા માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, યુવકે મૂડી અને વ્યાજ ચૂકવી દીધું છતાં આરોપીઓએ તેની પૈસાથી વધુ પૈસાની માંગ કરી પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, આશીષભાઇ લાલજીભાઇ અઘારા નામના .મોરબી શનાળારોડ નવાબસસ્ટેન્ડ સામે સ્વસ્તિક એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૪ ખાતે રહેતા યુવકે મોરબીના રવાપર ખાતે રહેતા સંદીપભાઇ જગદીશભાઇ શેરશીયા, મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા આશીષભાઇ ધીરૂભાઇ વીરડા તથા રોબીનભાઇ ડુંગરભાઇ ડાભી નામના શખ્સો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આરોપીઓએ ફરિયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી તેમજ તેમને મૃત્યુ નીપજાવવાની ધમકીઓ આપતા યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.