માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે પાવરગ્રીડ લાઇનમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ૪૫૦૦ મીટર વાયર તેમજ પીકઅપ વાહન સહિત આશરે રૂ.૧૭.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ પાવરગ્રીડ લાઇનમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપ્યા છે. સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંજિયાસર ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન ઇન્ટ્રા પીકઅપ રજી.નં. જીજે-૧૨-સીટી-૧૪૦૮ વાહનમાં વાયર ભરેલ શંકાસ્પદ હાલતમાં બે આરોપી અનીસભાઈ સલેમામદભાઈ મોખા રહે. ભુતેશ્વર ફળીયું તા.જી.ભુજ અને મુસ્તાકભાઈ હાજીભાઈ મેર રહે.લોરીયા ગામ તા.જી.ભુજ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન બંનેએ વાયર ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. આ સાથે પોલીસે તેમના પાસેથી આશરે ૪૫૦૦ મીટર વાયર તેમજ પીકઅપ વાહન મળી કુલ રૂ. ૧૭.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.









