વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપરથી સમથેરવા સુધી ચાલતા ૩૩ કેએવી વિન્ડ ટ્રાન્સમિશન લાઇનના કામ દરમિયાન અજાણ્યા ઇસમોએ કુલ ૩૬૮૦ મીટર એલ્યુમિનિયમ વાયર (કન્ડક્ટર) અંદાજે ૩૦૦૦ કિ.ગ્રા.ની ચોરી કરી જતા ખાનગી કંપનીને રૂ.૧૧.૦૪ લાખનું નુકસાન થયું છે. ઉપરાંત સ્ટ્રિંગિંગ કરેલ ૧૭૭૦ મીટર વાયર(કન્ડક્ટર) કાપી નાખતા રૂ. ૫.૩૧ લાખનું વધારાનું નુકસાન થયું છે. આમ કુલ રૂ.૧૬.૩૫ લાખના નુકસાન અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદને આધારે ગુનો નોંધાયો છે.
ચોરીના બનાવ અંગે મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયેશભાઈ મધુભાઈ સાંજવા ઉવ.૩૯ રહે. રાજકોટ રાધા રેસિડેન્સી અયોધ્યાચોક વાળા જેઓ ઓપેરા એનર્જી પ્રા. લી. કંપનીમાં એન્જિનિયરિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીએ કલીન મેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન્સ લિ.ને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને વાંકાનેર તાલુકામાં સોલાર/વિન્ડ વીજ ઉત્પાદન તેમજ વીજ પરિવહન માટે વધાસીયાથી સમથેરવા સુધી ૩૩ કેએવી વિન્ડ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ગત તા. ૦૧/૧૨/૨૦૨૫ના સાંજે સાત વાગ્યાથી તા. ૦૨/૧૨/૨૦૨૫ના સવારે નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમજ ત્યારબાદ અલગ અલગ તારીખે સાઈટ પરથી એલ્યુમિનિયમ કન્ડક્ટર વાયર ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરી થયેલ મુદ્દામાલ મુજબ તા. ૦૨/૧૨/૨૦૨૫ના રોજ ૮૫૦ મીટર કિ.રૂ. ૨,૫૫,૦૦૦/-, તા.૧૦/૧૨/૨૦૨૫ ૧૧૫૦ મીટર કિ.રૂ. ૩,૪૫,૦૦૦/-, તા.૨૩/૧૨/૨૦૨૫ ૫૦૦ મીટર કિ.રૂ. ૧,૫૦,૦૦૦/-, તા.૧૩/૦૧/૨૦૨૬ ૪૨૦ મીટર કિ.રૂ.૧,૨૬,૦૦૦/-, તા.૧૬/૦૨/૨૦૨૬ ૭૬૦ મીટર કિ.રૂ. ૨,૨૮,૦૦૦/- આ રીતે કુલ ૩૬૮૦ મીટર, અંદાજે ૩૦૦૦ કિલોગ્રામ વજનનો એલ્યુમિનિયમ વાયર કન્ડક્ટર કુલ કિ.રૂ. કિંમત રૂ.૧૧,૦૪,૦૦૦/- ચોરી થઈ હોવાનું તેમજ આ ઉપરાંત તા. ૨૦/૦૧/૨૦૨૬ના આગલા દિવસે સ્ટ્રિંગિંગ કરાયેલ ૩૩ કેએવી વિન્ડ ટ્રાન્સમિશન લાઇનનો ૧૭૭૦ મીટર વાયર કન્ડક્ટર કિ.રૂ. ૫,૩૧,૦૦૦/- અજાણ્યા શખ્સોએ કાપી કટકા કરી નાખતા કંપનીને વધુ નુકસાન થયું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









