ગઈકાલે સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયા એવા ડો.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ટંકારામાં પણ ખુબ હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ હતી. અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ટંકારામાં ખુબ હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ હતી. 14 મી એપ્રિલ એટલે માનવતા, સમાનતા, ભાઈચારાને માનનારાં સમગ્ર ભારતવાસીઓ માટે વર્ષનો સૌથી કિંમતી અને સોનેરી અવસર છે.
ભારતીય બંધારણનાં ઘડવૈયા અને ભારતનાં પ્રથમ કાયદા મંત્રી ડૉ. આંબેડકરજીને વિશ્વભરમાં બાબાસાહેબ (આદરણીય પિતા) ઉપનામથી નવાજવામાં આવે છે. બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજીનાં 133 માં જન્મ દિવસને દુનિયાની પ્રથમ નંબરની કોલંબિયા યુનિવર્સિટી સહિત વિશ્વભરમાં નોલેજ ડે તરીકે ખુબ ઉત્સાહ પૂર્ણ ઉજવાય છે. મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકામાં પણ આનંદોત્સાહથી ભવ્ય શોભાયાત્રા હતી. અને જાહેર સભા તેમજ સમૂહ ભોજન દ્વારા ભીમ જયંતિની ઉજવણી કરાઈ હતી. તાલુકાનાં દરેક ગામેથી સેંકડો લોકોએ આ મહોત્સવમાં ઉપસ્થિત રહી આંબેડકર સાહેબની પ્રતિમાએ ફુલહાર નમન કર્યાં હતાં. તેમજ પ્રખ્યાત કલાકાર જુ. નરેશ કનોડિયાએ પણ વિશેષ હાજરી આપીને ભીમ ગીતો પર અભિનય તેમજ નૃત્ય પ્રસ્તુત કરીને ભીમસૈનિકોને મંત્રમુગ્ધ અને થનગનતાં કરી દીધાં હતાં. તેમજ રેલી દરમિયાન વેપારી એસોસિયેશન, આર્ય સમાજ દળ, મુસ્લિમ સમાજ સમિતિ, ડૉ. આંબેડકર યુવક મંડળ તેમજ અનેક રાજકિય સામાજિક આગેવાનો દ્વારા ઠંડા પીણાં તેમજ છાશ વિતરણ કરાયું હતું. તેમજ શોભાયાત્રા બાદ મૈત્રીભોજનનું પણ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાનાં અનુસુચિત સમાજનાં દરેક કાર્યક્રમો ડૉ. આંબેડકર ભવન સેવા સમિતિ દ્વારા કરાઈ રહ્યાં છે જેમાં સર્વ સમાજનો કાયમી સહકાર રહ્યો છે.